Monday 29 February 2016

' મહારાજ ફરે છે , પગપાળો રે... ઉપકારી એનો આતમો રે...' પૂ. રવિશંકર મહારાજના જન્મદિને ગાંધીનગર સમાચારમાં તા. ૨૫/૦૨/૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે.

રાજકારણને નહી પણ આધ્યાત્મિક ધારાને વરેલા પુરુષ : મોરારજીભાઇ દેસાઈ ( મોરારજીભાઇ દેસાઈના જન્મદિને ગાંધીનગર સમાચારમાં તા.૨૯/૦૨/૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે.)

' ધર્મ એ માનવજાતનો મઝિયારો વારસો છે.' રામકૃષ્ણ પરમહંસના જન્મ દિવસે ગાંધીનગર સમાચારમાં તા.૧૮/૦૨/૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે

' પદ્મશ્રી દુલા ભાયા કાગ : એમની કવિતા જાણે સંસાર અને સંન્યાસનો મેળ ' (ગાંધીનગર સમાચાર તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે.)

Wednesday 17 February 2016

' મોહન - મહાદેવની જોડી ' (ગુજરાત સમાચાર તા.૧૦/૦૨/૨૦૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલ છે.)


આ આર્ટિકલ જોવા અહિયાં આ લીંક ઉપર કરો. 

મોહન - મહાદેવની જોડી

સત્યતા, સાધુતા અને સુંદરતાનો સામંજસ્ય

બુદ્ધિને અનુસાર જ્ઞાાન, હૃદયને અનુસાર ભાવના અને શરીરને અનુસાર સૌંદર્ય- મનુષ્યજીવનની મુખ્ય ત્રણ શાખાઓનો સમન્વય અને જેના જીવનનાં અંગોમાં કોઈ વિરોધ નહીં પણ સામંજસ્ય. એવા મહાદેવભાઈ... ગાંધીજીના પરમ ભક્ત... બાપુનું મન... ગાંધીજીનું એક ફેફસું !
૧૯૧૫માં ગાંધીજી સાથે સત્યાગ્રહાશ્રમની નિયમાવલીની ચર્ચા કરવા આશ્રમમાં ગયા. વળતાં બાપુનો આધ્યાત્મિક પ્રભાવ પારખી ગયેલા મહાદેવભાઈએ તેમના મિત્ર નરહરિભાઈને કહે છે, ''મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે. બાપુએ પણ મહાદેવભાઈની પ્રામાણિકતા, વફાદારી અને હોંશિયારીથી આકર્ષાઈ કહી દીધું કે, 'મહાદેવા તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે.' બસ ત્યારથી બાપુના પાય નીચે બેસીને બીજું બધું ભૂલી જઈ બાપુનો ધર્મ, કર્મ, મંત્રનો મર્મ ઉપાડી લીધો... બાપુમય બની ગયા... અંગત મંત્રી તરીકે અડધી જિંદગી બાપું સાથે રહ્યા.
તેઓ હંમેશા કહેતા કે, ''બાપુની સાથે રહેવું, એ જ્વાલામુખીની ટોચ પર રહેવા જેવું છે. જ્વાળામુખી ક્યારે ફાટે અને આપણા ફુરચેફુરચા ઉડાવી દે, તે કોઈ કહી શકે નહિ.'' તેથી જ ઝવેરચંદ મેઘાણીએ તેમના માટે 'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એવું વિશેષણ વાપર્યું. તેમના સુપુત્ર નારાયણભાઈ દેસાઈએ આ જ શીર્ષક હેઠળ મહાદેવભાઈની જીવનકથાને પુસ્તકરૃપે કુશળતાથી નિરૃપી છે. પણ કોઈ દૈવી સંપત બંધાવીને કિરતારે આપણી વચ્ચે મોકલ્યા હોય તેવું અહંકાર રહિત સાદુ જીવન, પારદર્શક વ્યક્તિત્વ, વિનોદી સ્વભાવ, આંતર બાહ્ય સૌંદર્ય... ફક્ત બે જ આકાંક્ષાઓ - દેશની મુક્તિ અને માનવીય સાધના !
બાપૂના પત્રો 'હરિજન'ના નામથી શરૃ થયા તેની અને 'નવજીવન' માટે લેખો તૈયાર કરવાની જવાબદારી મહાદેવભાઈના શિરે હતી. આ ગાંધી-પત્રો અને લેખોએ સત્યનિષ્ઠાનો ચીલો પાડયો. આ પત્રોથી પત્રકારત્વમાં અતિશયોક્તિ કે અતિરંજન શોભે નહીં પણ પત્રકારત્વ તો સત્યથી જ શોભે એવું મૂલ્ય દેશમાં પ્રસ્થાપિત થયું. જલિયાંવાલા બાગની કતલનું યંગ ઇન્ડિયામાં વર્ણન કરી તે કતલને સ્કોટલેંડના 'ગ્લેંકોની કતલ' કરતાં બૂરી અને નિંદનીય બતાવી, અલ્હાબાદથી પ્રકાશિત થતાં 'ઇન્ડિપેન્ડસ પેપર'ના પ્રેસને સીલ લાગતા મહાદેવભાઈએ આ પેપરની નકલો સાયક્લોસ્ટાઇલ છાપીને લોકોમાં વહેતી કરી. તેમાંના લેખો જોઈ તેમની ધરપકડ કરવામાં આવી. આ તેમને પ્રથમ જેલ થઈ. જેલમાં જ શરદબાબુના બે પુસ્તકો 'વિરાજવહુ'ને ત્રણ વાર્તાઓના સુંદર અનુવાદો કર્યા. બાપુના જીવનને સમજવા માટે અત્યંત ઉપયોગી એવી 'મહાદેવની ડાયરી'ના ૨૫ ભાગના સપુંટમાં મહાદેવભાઈએ ૧૩ નવેમ્બર ૧૯૧૭ થી ૧૪ ઓગસ્ટ ૧૯૪૨ સુધી જીવનના અંત સુધી બાપુ સાથે બનતી રોજેરોજની ઘટનાઓને આંખે દેખ્યા અહેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. મહાદેવભાઈના અનુવાદ અને લખાણોને લીધે ગાંધીજીના વિચારો પશ્ચિમના લોકોને સમજવામાં સરળ પડે છે. વાઈસરોયના સેક્રેટરીએ તેમને ગાંધી વિચારના સર્વોત્તમ ભાષ્યકાર કહ્યા. તેમના જીવનમાં જ્ઞાાન અને કર્મની બે ધારાઓ એક થઈ વહેતી હતી.
૧૯૩૧માં બાપૂ સાથે ગોળમેજી પરિષદમાં ગયેલા તો એપ્રિલ ૧૯૪૧માં અમદાવાદમાં કોમી રમખાણોમાં શાંતિસૈનિક તરીકે મહાદેવભાઈને મોકલ્યા હતા. તેઓ હિંદુ-મુસ્લિમ ઐક્ય અંગે બોલ્યા કે -

'હું મારા ધર્મને વળગી રહું છતાં મારે બીજા ધર્મો પ્રત્યે મારા ધર્મ જેટલા જ માન અને પ્રેમ રાખવા જોઈયે.'
સેવાગ્રામમાં તાર-ટપાલની વ્યવસ્થા ન હોઈ નિયમિત રીતે વર્ધાથી આશ્રમમાં રોજ પાંચ કિલોમીટર ચાલી બાપુની ટપાલ પહોંચાડી કામ પતાવી સાંજે પાછા આવતા. સેવાગ્રામથી નજીક સિંદી ગામની ગંદકી તેઓ સૂંડલો-સાવરણો લઈ સાફ કરતા તેમના બોલ હતા : 'અંતજ્યની સેવા એ પાપનું પ્રાયશ્ચિત છે.' સાથોસાથ અંતજ્યનો એ જ પોતે પોતાની ઉન્નતિ સાધવી જોઈયે. પોતાને ગાંધીજીના 'હમાલ' ગણાવતા. સાબરમતી નદીમાંથી રેતીના તગારા માથે લાવી આશ્રમના મકાનો તૈયાર કરવામાં મદદ કરતા. સરદાર વલ્લભભાઈ ગાંધીજીથી દૂર હોય ત્યારે ગાંધીજી સાથેનો તમામ વ્યવહાર મહાદેવભાઈ મારફત થતો.

યંગ ઈન્ડિયા, નવજીવન અને ઈન્ડિપેન્ડન્ટના શરૃઆતના દિવસોમાં કામકરવાની તકે પાછળથી એક પત્રકાર તરીકે મહાદેવભાઈએ ગજું કાઢ્યું. ૧૯૩૬માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખ મહાદેવભાઈ હતા. મોતીના દાણા જેવા અક્ષરોમાં ઠરાવો, નિવેદનો વગેરે તૈયાર કરવાનું કામ કરતા મહાદેવભાઈ શબ્દોના સ્વામી હતા. બાપુ સાથે એટલા ઓતપ્રોત હતા કે બાપુ લખાવતા લખાવતા અટકી જાય તો તેઓ શું લખવા માગે છે એ સમજી જતાં અને પોતાની કલમ ચલાવ્યે રાખતા. તેઓ એક કિસ્સામાં ભગવદ્ગીતા અને બીજા ખિસ્સામાં કલમ રાખતા. ભગવદ્ગીતા પ્રતિક હતી એમના ચારિત્ર્યના ઉંડાણની અને કલમ હતી એના વિસ્તારની. મહાદેવભાઈ ગીતાના શ્લોકોનો ઉચ્ચાર અને અર્થ ગાંધીજી કરતાં સારી પેઠે જાણતા હતા તેવું ગાંધીજી કહેતા હતા. મહાદેવભાઈ લખે છે કે 'હિંસાનીતિ અને અહિંસા નીતિમાં ભેદ એ જ છે કે હિંસાનીતિ ક્રૂત્યના કરનારને નીંદીને તેની હિંસા ઈચ્છે છે જ્યારે અહિંસાનીતિ ક્રૂત્યને નીંદીને તેના કરનારની સેવા કરવા ઈચ્છે છે.'
'મારા રામરાજ્યમાં માથા ગણીને કે હાથ ગણીને પ્રજાના મતનું માપ ન કાઢી શકાય, મારા જેવો એકાદું ભાષણ આપીને તમારો મત ચોરી જાય તે મતમાં પ્રગટ થતી વસ્તુ ''ડેમોક્રેસી''' નથી. એમના આ બોલ હાલના સમય માટે ઘણું કહી જાય છે.
૧૯૪૨ની આઝાદીની છેલ્લી લડત ! ક્વીટ ઇન્ડિયા... બા, બાપુની સાથે મહાદેવભાઈને પણ આગાખાન મહેલની જેલમાં હતા ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ હાર્ટ એટેક આવતાં ૫૦ વર્ષની વયે મહાદેવભાઈ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. મહાદેવભાઈના જવાથી ઘડીભર અસ્વસ્થ, વિહવળ જણાતા ગાંધીજીને આ બાબતે સુશીલાબહેને પૂછતાં બાપૂએ જવાબ આપ્યો કે તેમાં વિહવળતા નહોતી, તેમાં શ્રધ્ધા હતી. બાપૂએ જણાવ્યું કે 'મને એમ હતું કે જો એક વાર આંખ ઉઘાડીને મારી તરફ જોશે તો હું એમને કહીશ કે 'ઉભા થઈ જાઓ' એમણે આખી જિંદગી મારી આજ્ઞાા ઉથાપી નહોતી. એ શબ્દો જો એમના કાને પડયા હોત તો મને શ્રધ્ધા હતી કે એ મોતનો પણ સામનો કરીને ઉભા થઈ ગયા હોત.' બાપૂએ મહાદેવભાઈના શરીરને સ્નાન કરાવ્યું. પોતાના ઇષ્ટદેવતાના હાથે અગ્નિદાહ પામવા સદભાગી બન્યા. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું : 'મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.'
- સતીશ શામળદાન ચારણ

Thursday 7 January 2016

વિચારોને નિયંત્રિત કરે : ભ્રામરી પ્રાણાયામ ( તા.06/01/2016ના દિવ્યભાસ્કર-કળશમાં રોગ અને યોગ કોલમમાં પ્રકાશીત થયેલ છે.)

એક ઉજ્જવલ શિખર સમા જગ હિતકારી: સોનલ આઈમા (તા.06 /01/2016ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલ છે.)

એક ઉજ્જવલ શિખર સમા જગ હિતકારી: સોનલ આઈમા (અહીં ક્લિક કરો.)


એક ઉજ્જવલ શિખર સમા જગ હિતકારી: સોનલ આઈમા


રામકૃષ્ણ પરમહંસે 'ભાવ' દ્વારા જ પંડે ભગવાન સાધેલા તેમ આઈમાને શિવમય બનીને જગવલ્લભા બનતા વાર ન લાગી.

જૂનાગઢ જીલ્લાનું કેશોદ તાલુકાનું મઢડા ઘણું જુનું ગામ છે. ઇતિહાસ અને વહિવટમાં એનું સ્થાન મહત્ત્વનું ન હતું પણ સંવત ૧૯૮૦, પોષ સુદ-૨, મંગળવાર, ૮મી જાન્યુઆરી, ૧૯૨૪ના રોજ સોનલમાનું પ્રાગટય થતાં મઢડા સૌનું તીર્થ સ્થાન બની ગયું. તેમને સૌ 'આઈમા' કહેતા.
માતા-પિતાની સાથે દરરોજ મંદિરે જાય... કથા-કિર્તન સાંભળે... આરતી ગાય...વ્રત-તહેવારમાં નાહી-ધોઈ પૂજા-ઉપવાસ કરે. આઈમાના ધર્મશિક્ષણની આ નિશાળ અને તેમાં થયેલ તેમના આચાર-વિચારનું ઘડતર ! આમ, આજની દ્રષ્ટિએ આઈમા કશું નહોતા ભણ્યાં પણ સંસારની દ્રષ્ટિએ વધુ ભણ્યાં હતાં એમ કહી શકાય. લાલ જીમી, રેશમી કાપડું, ઝીણી લાલ ઓઢણી, વાંકડીયા વાળ, ખભા ઉપર કાળા ઉનનો ભોળિયો, પગમાં કાંબીયું અને હાથમાં સરલ, બુલંદ કંઠ, સંગીતનું આકર્ષણ, સાત્વિક યોજના અને સાહસી વિચારો.
આ તો થઇ બાહ્ય ઓળખ... પણ આ 'બહુરત્ના વસુંધરા' જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આધારસ્તંભો પૂ. બ્રહ્માનંદ સ્વામી, પૂ. દેવાનંદ સ્વામી અને પૂ. પૂર્ણાનંદ સ્વામી જન્મ્યા હતા તે ચારણકુળમા આઈમાનો જન્મ થયો. અનેક આત્મજ્ઞાાનીઓ થવાની સાથે આઈ સોનલમા પણ આધ્યાત્મિક વિશ્વની વિલક્ષણ ઘટના છે. 'જન્મજાત આત્મજ્ઞાાની' એવા આઈમાએ આંખ ખોલી ત્યારથી અદ્વૈત ભાવમાં જીવી રહ્યા હતા. રામકૃષ્ણ પરમહંસે 'ભાવ' દ્વારા જ પંડે ભગવાન સાધેલા તેમ આઈમાને શિવમય બનીને જગવલ્લભા બનતા વાર ન લાગી. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા મન, વાણી અને કર્મથી બ્રહ્મચર્યનું વ્રત લીધું. આ જ ક્ષણથી તેઓ 'માતાજી' બન્યાં.
મહાવીરના અનુયાયીની રાહે અને ઉપનિષદો પણ પશુ-બલિનો તો ઠીક પણ દ્રવ્યોના બલિનો પણ પક્ષ લેતા નથી. આઈમાએ પણ માતાજી-દેવોના નામે થતાંપશુ-બલિદાનો બંધ કરાવી માગણવૃતિની હિનતાને પડકારી, ધૂણવા-ધકવાના દંભ અને ઢોંગને નબળા મનની પેદાશ કહી પાંચ 'વ-કાર' વ્યસન, વહેમ, વ્યભિચાર, વિક્રય, અને વ્યવહારલોપથી કાયમ મુક્ત રહેવાના આદેશોનું પાલન કરવાનું જણાવ્યું.
સેવા કાર્યોને હંમેશાં અવગણના, વિરોધ અને છેલ્લે સ્વીકારની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. આઈમાએ પણ ભગવાન બુધ્ધના કરુણા અને જીસસના પ્રેમ પંથ ઉપર ચાલતા ચાલતા આધ્યાત્મિક આત્મ-સાધનાના પ્રભાવથી જીવન દરમિયાન ભયંકર વિષમતાઓ-ઉશ્કેરણીજનક પ્રસંગોમાં પણ મનનું સમતોલપણું જાળવી પ્રતિહિંસાથી દૂર રહી સહનશીલતા દાખવીને સત્ય, શાંતિને-ધર્મને કાંટે તોળાવાનું પસંદ કર્યું. તેઓ કાયરતાને મખમલી અંચળામાં ઢાંકનારા અહિંસાવાદી નહીં પણ વીરતાવાદી હતા. ક્રાંતિ અને હિમાલયની શાંતિના એક સાથે દર્શન થતાં. એમનામાં જગ હિતકારી મંગળ તત્ત્વનું પ્રતિબિંબ દેખાતું હતું.
મહાત્માઓ, સંતો, તપસ્વીઓનો સંગ, ભારતના લગભગ બધા જ તીર્થસ્થાનોના પ્રવાસની સાથે સાથે ઉપનિષદો, શાસ્ત્રોનો અભ્યાસ અને હૃદયમાં જગદંબાનું અહર્નિશ સ્મરણ. ચાલતા રહેવું એ માતાજીની જીવનચર્યા હતી. આમ, કર્મયોગ સાથે જ્ઞાાન અને ભક્તિ જોડાયા. ત્રિવેણી સંગમ જોવા મળ્યો.
દેશમાંની સ્ત્રીઓની સ્થિતિ એ દેશના વિકાસ માટેનો અરીસો છે. અને તેથી જ આઈમા કન્યા કેળવણીના ખૂબ જ હિમાયતી રહ્યા. વિદ્યાધામો, છાત્રાલયો બંધાવ્યા. તમારો દીકરો ન ભણતો હોય તો બીજાના દીકરાને ભણાવવા મદદ કરજો.એ પણ આપણો જ બાળક છે, એનું જીવન સુધરશે, આપણને લાભ થશે. કહેતા આઈમાએ સમાજના ઉત્થાન માટે ભણતરનો રાહ બતાવ્યો. ગૃહસ્થાશ્રમમાં પવિત્રતા, નીતિ અને ભજનનો ત્રિવેણી સંગમ પેદા કરવાનું કહેતા.
સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌરાષ્ટ્રમાં પાકિસ્તાન રચવાની માગણી કરતા જૂનાગઢ નવાબને જૂનાગઢ રાજ્યનું વિલિનીકરણ કરી માંગરોળના શેખ, બાંટવાના તાલુકદારો, રાજપૂતો અને ચારણોને પણ પોતાના સ્વતંત્ર ગામ-ગરાસ સાથે ભારતસંઘમાં જોડાવા સમજાવી ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપેલ. માંડવી અને પ્રજાસત્તાકદિને ગાંધીજીના સત્ય, અહિંસા, ત્યાગ અને શ્રમના હથિયારથી ભારતને આઝાદી અપાવી ગાંધીજીના ત્યાગચિત્ર અને ત્યાગ વિશે લોકોને પોતાના ભાષણમાં સમજાવ્યું.
તા. ૨૭ નવેમ્બર, ૧૯૪૭ના રોજ તેમણે સ્વધામ પ્રયાણ કર્યું. એક ઉજ્જવલ શિખર સમા તેમણે કોઈ સ્મારક અને સમાધિ, ગાદી અને પીઠોનો મોહ ન રાખ્યો. નિષ્પક્ષ, નિવૈર, નિર્ભય જીવન જીવી સર્વની સાથે સંવાદિતતા સાધી. પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે અનેકોને માર્ગદર્શન આપ્યું.
- સતીશ શામળદાન