Friday 28 August 2015

ઝવેરચંદ મેઘાણી – કહેણી, કાવ્ય ને કંઠનો વાણિયો વેપારી


‘ પાંચાળનું ધાવણ ’, ‘ પહાડનું બાળક ’ , ‘ લાઇન બોય ’, ‘વિલાપી ’ , ‘ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તેવા રાષ્ટ્રીય શાયર ’ , ‘ભેદની ભીંત્યુંને ભાંગનાર ’ , એવા ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ચોટીલા. જન્મ વર્ષ: તા. ૨૮ ઓગષ્ટ ૧૮૯૬. શ્રાવણ વદ પાંચમ: નાગ પાંચમ. માતા ધોળીબાઈ અને પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી. દશા શ્રીમાળી જૈન વણિક કુટુંબમાં જન્મ. મેઘાણી કુટુંબ મૂળ રહેવાસી બગસરાનું. પિતાની બ્રિટીશ કાઠીયાવાડ એજન્સી પોલીસમાં નોકરી. ભણવામાં પહેલો નંબર, શરમાળ, ઓછા-બોલો કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. પિતાની થાણે થાણે થતી બદલીઓના કારણે ઝવેરચંદ મેઘાણીએ બાળપણમાં જ ગામે ગામના પાણી પીધેલા અને તેને કારણે જ કાઠીયાવાડની જૂની વિરજાતીઓનાં રીત-રિવાજોની ખાસિયતો, ખૂબીઓ વગેરે માહિતી, ચારણો પાસેથી સાંભળેલી વાતો, હૂહૂ ! હૂહૂ ! ભૂતનાદ કરતા પવનના સુસવાટા, ઘરડા ખેડું દુહાગીરોના દુહાસંગ્રામ, ફાગણી પૂનમની હુતાશાણીના ભડકા ફરતા જુવાનો – વિગેરે દ્વારા ભિન્ન ભિન્ન જાતના સાહિત્યના પ્રવાહના  સંસ્કાર પડ્યા. મેઘાણીના આ પ્રવાહને કળનાર હડાળાનાં દરબાર વાજસુર વાળા. કથાવાર્તાના કોઠા સામતભાઈ ગઢવીને યાદ કરી કરીને વાજસુર વાળા પોતાની શાંત શૈલીમાં માંગડા ભૂતની, ચાંપરાજવાળાની વાર્તા કહે. દુહા ટાંકતા જાય, કલાપીની ઘણી અપ્રગટ રચનાઓ સંભારે. એમની પ્રેરણા પછી જુના સોરઠીકાળને પ્રેમપૂર્વક તપાસવાની સાથે ઓળખવાની પ્યાસ મેઘાણીભાઈને સતાવી રહી...પૈસાથી નહિ પણ અભિરુચિ વડે, રસદ્રષ્ટિ વડે... આ એમની લોકસાહિત્યની દિક્ષા. લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી....એ મેઘાણીના લોકગીતપ્રેમી પ્રાણની જનેતા. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતા એ ગીતો માંહેલુ ‘ વહુવે વગોવ્યા મોટાં ખોરડાં ’આજે પણ ઘેર ઘેર જાણીતું છે. મેઘાણીના માતા પણ મધુર કંઠથી રાસડા ગાતા.
૧૯૧૬માં અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ સાથે બી.એ.થયા. અભ્યાસ દરમિયાન લોકસાહિત્યનો ખ્યાલ નહોતો. પણ નન્હાલાલ અને કલાપીના સાહિત્યે તેમનામાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કલાપીના કાવ્યો એવી દર્દભરી રીતે ગાય કે સૌના હૃદય સાથે સુક્ષ્મ સંબંધો બંધાતા ! વાતાવરણમાં મોહક કરુણતા પ્રસરતી. ગીત પૂરું થતાં સૌ એકાદ મિનીટ નિ:શબ્દ બેસી રહેતા.. મિત્રો એમને ‘ વિલાપી ’ કહેતા. ૧૯૧૭માં કલકત્તા અલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે અઢી-ત્રણ વર્ષ ખુબ જ સંતોષકારક કામ કર્યું એ દરમિયાન વિલાયતનો પ્રવાસ પણ કર્યો. કલકત્તામાં રહી બંકિમચંદ્રની નવલકથાઓ, દ્વિજેન્દ્ર રામના નાટકો, રવિબાબુ વગેરેનું વાંચન કરતા બંગાળી ભાષા શીખ્યા. નોકરી ખુબ સારી અને ભવિષ્યમાં  મોટો ફાયદો આપે તેવી હતી. પણ સ્વભાવે સાહિત્યરસિકના કારણે કોણ જાણે કેમ કાઠીયાવાડની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ જાણે તેઓને બોલાવતી હોય તેમ તેઓ કલકત્તાથી પાછા ફર્યા. કાઠીયાવાડમાં દિશા શુન્ય હતા. બે ત્રણ લેખો કોઇપણ ઉદ્દેશ વગર ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં લખી મોકલ્યા. અમૃતલાલ શેઠનું ધ્યાન ખેચાયું તેમને છાપાની પ્રવૃતિઓની સાથોસાથ સાહિત્ય પ્રવૃત્તિ ખોલવી હતી. એનું પ્રથમ ફૂલ ‘ કુરબાનીની કથાઓ.’ લોકસાહિત્યના શ્રી ગણેશ થોડા સમય બાદ ‘સૌરાષ્ટ્રની રસધારા’ થી થયા.
૧૯૨૨માં તેઓ ‘ સૌરાષ્ટ્ર ’ માં પત્રકાર તરીકે જોડાયા. પણ આ તો સાહિત્યરસના માણસ..એટલે પત્રકારત્વ વેરણ લાગ્યું. ચોથા વર્ષે ‘ સૌરાષ્ટ્ર ’ ના પત્ર સંપાદનમાંથી મુક્તિ. ‘ ફૂલછાબ ’ જોડાયા, પણ ‘ ફૂલછાબ ’ ને સૌરાષ્ટ્રનાં રજરંગોમાં ઝબકોળવાનું શરુ થતાં તેમાંથી તે ખસી ગયા. મુંબઈ આવી સિનેમાના ધંધામાં ઉતારવાનું વિચાર્યું. તે દરમિયાન અમૃતલાલ શેઠના ‘ જન્મભૂમી ’ના દૈનિક સંપાદનમાં જોડાયા. તેઓ લખે છે: “ તેમણે મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય ખૂણો પકડવાની અનુકૂળતા કરી આપી.”
સાહિત્યને સંપાદન કરવું એટલે તો લંકાથી હેમ લાવવા જેવું કઠણ છે. એવા દોયલા કામને મેઘાણીએ સોયલું કેમ કરેલું! દિવસના દિવસો, રાતોની રાતો ચારણો સાથે એ વસેલા. ચારણી સાહિત્યના કેટલાક શબ્દાર્થો ચારણ કવિઓ અને વૃદ્ધો પણ ન સમજતા; એના સાચા અર્થ મેઘાણીએ કરેલા છે. હજુ સુધી ચારણી વાર્તા અન્ય કવિઓ માંડી શકતા નથી એવી રીતે એ વાર્તા માંડી શકતા હતા. રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલનમાં બધાના આગ્રહથી મેઘાણીએ  મારવાડી ગીતથી શરુ કર્યું. બરાબર પોણા બે કલાક કોઈએ હોકાની ઘૂંટ ન ખેચી. હોકા ઓલવાઈ ગયા. મોવાળો ફરકે તોયે રસભંગ થાય એવી તન્મયતાથી સૌ સાંભળી રહેલા. લીંબડી કવિરાજશ્રી શંકરદાનજી તો ઉભા થઇ એમને ભેટી મનનો પોરસ ઠાલવતાં બોલી ઉઠે છે : ‘ કળજગ ! બાપ, કળજગ ! અમે બે હજાર સરસ્વતીપુત્રો અહીં બેઠા છીયે, ને તું વાણીયાનો દીકરો બબ્બે કલાક સુધી અમારી જ મહુવરના નાદે અમને ડોલાવ્યા કર છ. એને કલજગ નંઇ તો બીજું શું વદું? રંગ છે , તને – મેઘાણી ! ‘
મેઘાણીએ કહ્યું કે “ મુરબ્બી! આ તો આપનું જ છે. હું તો ચારણોનો ટપાલી છું; બધે પહોચાડું છું.”
તેઓ કોઇ પર પોતાના પૂર્વગ્રહો થોપતા નહીં કે મુરબ્બીવટ દાખવતા નહીં બલકે વડીલમિત્રની માફક ગોઠડી કરતા.
કવિ કાગ લખે છે કે:           સુતા જઈ સ્મશાનમાં એની તેઁ સોડ્યું તાણી;
                     વેધુ જીવાડયા વાણીયા, તે કંઈક મડદાં મેઘાણી!
એમણે કબર ખોદી કાઢીને મૈયાતોને ઉઠાડ્યા અને જીવાડયા. મસાણોમાં મુડદાંએ હોંકારા દીધા. સ્મશાનમાં જઈને પોકારે કે ‘ ભારત માતાની...તો જવાબ આપવા મૃતદેહો પણ ઉભા થઇ જતા. પ્રેતોને એમણે કપડાં પહેરાવ્યા. એ પ્રેત નથી, નીચા નથી, લુચ્ચાં ને હરામખોર નથી, એમ સાબિત કરી જગતના ચોકમાં ઉભા રાખ્યા.
ગોપીનાથથી થી તુલસીશ્યામનો રસ્તો...દરિયાકાંઠાના ગામડા..મહુવા બંદર..ત્યાં એક સિત્તેરેક વર્ષના ડોશી પાકલ ઇંટો વાહનમાં ચડાવે. તેમની સાથે વાતચીત કરતાં ડોશીમાએ જણાવ્યું કે મારો એકનો એક દિકરો મહુવાના વેપારીનું વહાણ લઇ જતાં બે’ક મહિના અગાઉ વહાણ બૂડી ગયાથી મરેલો. મેઘાણીભાઈએ પૂછ્યું કે “તમે તમારી આજીવિકા માટે  શેઠ પાસે કેમ ન ગયાં ? ”
ડોશીમાએ કહ્યું “ ભાઈ ! ” મારું તો કાળું મોઢું થયું. શેઠનું વહાણ મારા દીકરાને હાથે બુડ્યું. હવે શુ મોઢું લઈને એની પાસે માગવાં જાઉં !” ડોશીમાના આ શબ્દો સાંભળતાં મેઘનીભાઈ છાતી પકડીને બેસીને રોયા. બોલ્યા કે દુલાભાઈ !. આ મચ્છીમાર કોળી ને પેલા વૈષ્ણવ વાણિયા- બેમાં કોણ ખાનદાન !”.
દુલાભાઈ સાક્ષી અને તેમની સગી આંખે દેખેલ અને ખુમારીનું શિક્ષણ આપતી ચારણ કન્યાની વાત... “ તુલશીશ્યામથી બે ગાઉ ખજુરીનો નેસ...એક ચારણબાઈ - હીરબાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી..મરેલી વોડકી પર ચડીને હીરબાઈ એ વખતે સાવજ સામે સોટો વીંઝતી હતી...સાવજ બે પગે સામો થઇ હોકારા કરતો હતો...બાઈએ વોડકી ખાવાના દીધી..એ વખતે    ‘ ચારણ- કન્યા ’ ગીત મેઘાણીભાઈ કાગળ- કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા..અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
‘શિવાજીનું હાલરડું’ તેમણે ‘આજ’ ની નિશ્ચિતતા સામે ‘કાલ’ની અનિશ્ચિતતા તોળી તોળીને કાવ્યક્ષણને સર્જનાત્મક ભાવમાં રુપાંતરિત કરી છે.
                          ” આજ માતા ચોડે ચૂમિયું રે બાળા જિલજે બેવડ ગાલ
                            કાલે તારાં મોઢડાં માથે ધુંવાધાર તોપ મંડાશે...શિવાજી.”
બાળકાવ્ય ચારણ કન્યા... અને શિવાજીનું હાલરડું... મેઘાણીના આવાં કાવ્યો ભણતરમાં આવે તો ભય ગ્રંથિઓ તૂટે.
‘ ચારણકુલ મારું તીર્થ છે.’ તે દ્વારા તેમણે ચારણ અને ચારણી સાહિત્યનો મહિમા દર્શાવ્યો છે.
ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તાવારીખોની જોડે બેસે તેવી ઘટનાઓ આ સૌરાષ્ટ્રની ભૂમિ પર બનેલ છે; અને તેટલા માટે તેઓ શાળા કોલેજના અભ્યાસક્રમોમાં આ પ્રતાપી ભૂતકાળને સ્થાન અપાવવા માંગતા હતા. સૌરાષ્ટ્રના ગત ગૌરવને હંમેશને માટે લિપિબદ્ધ કરી નવીન સૌરાષ્ટ્રને પોતાની વાર્તા-નવલકથા દ્વારા એના ચહેરાનું દર્શન કરાવ્યું.
ટેનીસનનું લખેલું રણ-ગીત: ’ ચાર્જ ઓફ ધ લાઈટ બ્રિગેડ’. રશિયાની ધુંવાધાર તોપો સામે ! અંગ્રેજોના છસો વીર ઉઘાડી તલવારે દોડ્યા. તોપોના ગોળાના વરસાદ વચ્ચે છસોય વીર વીંધાઈ ગયા. બ્રિટનના બાળકો એ ગીતમાંથી બલિદાન મંત્રો રટે છે. આજ ઘટના ભાવનગરમાં બની. છસો નહિ, અરે છયે નહિ પણ એક વીર:જાદવ ડાંગર. એકલે હાથે દોડીને એણે કાઠીઓની તોપોના કાં બુરી દીધા..કોઈ ગુર્જર ટેનીસન પ્રગટ થશે ત્યારે જાદવ ડાંગરના નામનું પણ એક રણ-ગીત આપણી શાળાઓમાં ગાજવા લાગશે.
ગ્રીસનો બળવાન બાંધવ પ્રોમીથિયસ સ્વર્ગનો અગ્નિ લાવી માનવીઓને પોતાના રક્ષાણાર્થે અગ્નિ વડે અસ્ત્રોશસ્ત્રો બનાવતા શીખવ્યું. પાછળથી અમરરાજે પોતાનું સિંહાસન ડોલતું દેખાતા પ્રોમીથિયસને બંદી બનાવી પહાડ ગુફાઓમાં વસતા ગરુડો-ગીધોને તેનું માંસ ખાવા દીધું પણ તેણે વેદનાના ચિત્કાર કરીને પોતાનો માનવ પ્રતાપ લજવા ન દીધો. આવો જ સોરઠી માનવ માણશિયાવાળો...પિતરાઈઓના પાપે કોઠામાં પુરાયેલ એણે સ્વ-હસ્તે પોતાના સાથળ કાપીને સમળીઓને ઉજાણી કરાવી દેહ પાડી દીધો...
મેઘાણીભાઈ સીતા અને સાવિત્રીના સતીત્વને તો સીધાં અને સુગમ્ય કહે છે. પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઈ નેસડીનું, દાંત પાડી નાખનાર કાઠીપાણીનું અને નાગજણ ચારણની સ્ત્રી (મરશિયાની મોજ) નું સમસ્યાભર્યું ને જટિલ સતીત્વ: એનો તાપ આપણાથી ઝીલાતો નથી- મતિને મુંઝવી નાથે છે અને તેથી જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઈએ છે.
માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિધ્ધાંત પર બાર બાર વીરોનું નિરાભિમાની બલિદાન : ‘અણનમ માથાં’ – પાતશાહી ફોજની ગલોલીઓ છુટી...ઢાલોને વીંધીં સીસાં સોંસરવા ગયાં. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુધ્ધમાંથી બહાર નીકળ્યા...કોઇ એક પગે ઠેકતો...કોઇ આંતરડા ઉપાડતો...કોઇ ધડ હાથમાં માથું લઇને... એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા...પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો : “ ભાઇબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”સહુ બેઠા... લોહીનો ગારો કરીને સહુએ અક્કેક-બબ્બે પિંડ વાળ્યા...ઓતરાદાં ઓશીકા કર્યા... અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા... અને બારમો - એક બાકી રહેલ મિત્ર કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે... આ બનાવ મેઘાણીભાઈના સાહિત્ય સિવાય દુનિયામાં હજું શોધાયેલ નથી.
મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં જવાના હતા તેના એક કલાક પહેલા ‘ છેલ્લો કટોરો ’ રચી દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોધ્યું કે: “ આ કવિતા તો મારા મનનનાં જ વિચારો   છે, તે મારા હૃદય સોસરવી ઉતારી ગઈ છે.” તરત જ ગાંધીજી એ તેમણે ‘ રાષ્ટ્રીય શાયર ’ તરીકે ઓળખાવ્યા.  ‘ રસધાર’ ની ‘ભાઇ’, ‘ચમારના બોલે’, તથા ‘કાનિયો જાંપડો ’ વાર્તાને આ દ્રષ્ટિબિંદુથી મૂલવી શકાય. દુષ્કાળ ટાણે સગો ભાઇ ફરી જતાં જોગડા હરિજને આયરાણીને મદદ કરી. જોગડાના મ્રુત્યુ ટાણે બાઇએ આકાશને રોવરાવ્યું!
                        ” નાતે કાંઇ નેડો નહીં, તું વણકર ને હું વણાર !
                     તારી જાત ન જોઉં જોગડા તારા ગણને રોઉં ગજમાર. ”
ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તે ‘ રાષ્ટ્રીય શાયર ’. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીયે તો..
                                હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી,
                                મનડાની આખરી ઉમેદ.
આ જે ખોટી દીવાલ ઊભી કરી છે તે દીવાલને મારે તોડી નાખવી છે. આ બન્યુ ત્યારે મહાત્મા ગાંધી નહોતા જ્ન્મ્યા.
પણ ત્યાંથી ખાલી હાથે પાછા આવ્યા ત્યારે તેમણે ‘ માતા તારો બેટડો આવે ’ લખેલું તે એટલું જાણીતું નથી, પણ સચોટતાની દ્રષ્ટિએ સ્મરવા સમું છે.
‘ ધાઓ ધાઓ, ધેનુપાળ ! ’ એવા તે દી ઉઠશે રે હાહાકાર,
શાદુલાને સાંઢ માતેલા ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા.
દેશદાઝને જાગ્રૂત કરતું અને દેશલાજને નાબૂત કરતું ‘ કસુંબીનો રંગ ’ અને તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વસ્તલતા ભરી ! દેશભરમાં આ ગીત દ્વારા મેઘાણીએ ગાંધીજીની ‘ અહિંસા અને સહકારની ’ અખંડિડતા રજુ કરી છે.  સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વિરતા હતી.
ઉમાશંકર જોશી લખે છે. “ મેઘાણીની પ્રતિભા મૌલિક (original) નહીં પણ ઇતરોત્થ (Derivative)  હોવી જોઇયે.”
માડી! હું તો બાર બાર વરસે આવિયો, માડી! મેં તો નો દીઠી મારી પાતળી પરમાર્ય,
રે જાડેજી મા ! મોલું માં દીવો શગ બળે રે !
એ વેદનાગાન મેઘાણીના મેઘનાદી ગળામાંથી ઘૂંટાઇને ગગનમાં છવાય ત્યારે ઓરત – મરદ સૌની આંખો ચૂતી હોય. ડળક... ડળક... ડળક...પાણી પડતાં હોય!
મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણ પ્રધાન નવલકથા: સોરઠ તારા વહેતા પાણી:  ‘ નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જન સમાજ છે.
ગુજરાતના ખેડા જીલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયાઓના જીવન પર આધારિત ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ અને તેમના મુખેથી સાંભળીને આલેખાયેલુ : ‘ માણસાઈના દીવા ’. ૧૯૪૬માં તેમના આ પુસ્તકને મહીડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાત સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ નીમવામાં આવ્યા હતા.
લોકગીતો, લોક-સુરો અને લોક-ઢાળોએ મેઘાણીની કાવ્ય પ્રવૃતિને વેગ આપ્યો. સોરઠી ગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો કાવ્યસંગ્રહ: ‘ યુગવંદના કુલ પાંચ ખંડમાં વહેચાયેલો આ સંગ્રહ ‘ છેલ્લો કટોરો ’, કસુંબીનો રંગ ’ , ‘ સૂના સમદરની પાળે ’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘ સુના સમદરની પાળે ’ માં લોકગીતનો લય સર્જક કક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે.
                       નો’તી એની પાસ કો માડી, રે નો’તી એની પાસ કો બેની:
             વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઇ ત્યાં નો’તી રે, સૂના સમદરની પાળે..
મુંબઇના કોઇ એક સાક્ષરે કાઠિયાવાડ – ગુજરાતની ભુમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું કશું રહ્યું નથી એટલે તેની શોધમાં કાશ્મીર જવું પડે છે તેવો નિ:શ્વાસ નાખેલો...આ મહેણું પુરવા અને કાઠિયાવાડ – ગુજરાતની પિછાન આપવાનો મેઘાણીભાઇનો પ્રયાસ એટલે ‘ સૌરાષ્ટ્રની રસધાર ’તેમાં સોરઠી જનસમુદાયનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી વાર્તાઓનું સંપાદન છે.
ગાંધીજી કે ભગતસિંહની લડતને બિરદાવનાર મેઘાણીની કલમ સરકારના ચોપડે હરામખોર ગણાતા, બ્રિટિશ ઈતિહાસે ડાકુ અને ગુંડા સાથે જેમને બેસાડેલા તેવાં લુટારાઓની જવામર્દી અને હત્યારાઓની નેકીને વર્ણવતી ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ ‘ દરિયાપારના બહારવટિયા ’ છે. એ એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ ધ આઉટલોઝ ઓફ મોર્ડન ડેઝ ’ની સત્યઘટનાની વાર્તા પરથી છે.
‘ વેવિશાળ ’ ધનિક બની ગયેલ કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઉભી થતી સમસ્યાની સામાજીક નવલકથા છે.
૧૯૨૮માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ મેળવનાર તેઓ પહેલા હતા. તે વેળાએ તેમણે કહ્યું કે “ અભ્યાસીઓને ગૌરવદાન કરવાનું ગુજરાત પાસે જે એક જ માન છે તે રણજીતરામ સુવર્ણચંદ્રકનું પહેલું દાન લોકસાહિત્યના ખેડાણને થયું.”
અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કર્યા ત્યારે કોર્ટની અનુમતિ મેળવીને ‘ સિંધુડો ’ માંનું દર્દભર્યું ગીત ‘ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ’ એમણે ધીરગંભીર અવાજે ગાયું...અને ઉપસ્થિત સેંકડો માનવમેદની ભીની થયેલ આંખો રુમાલ, પહેરણની ચાળો અને સાલુના પાલવો નીચે છુપાઇ તથા મેજીસ્ટ્રેટની આંખો પણ આંસુભીની થઇ હતી.
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ, સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ !
પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું,  બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું..
 
‘ કોઈનો લાડકવાયો ’ એ ‘ Marie Ravenal de la Coste ’ ના કાવ્ય ‘ Somebody’s Darling ની કૃતિ છે. મેઘાણીભાઇનું લાડકવાયું ગીત...
                             કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
                           શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
                             મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી.
‘ રઢિયાળી રાત ’ સમાજ માટે પોતીકાંનો ભોગ આપવો પડે એવી બલિદાનની ભાવનાનું ગીત....’ બારબાર વરસે નવાણ ગળાવ્યાં...’, અને બહેન ભાઇને ઓળખે છે ત્યારે... ” ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંને અણસાર, બાપની બોલાશે વીરને ઓળખ્યો રે.... તેમની વાર્તા અને ગીતો હૈયું પખાળે છે.
દરિયો ડહોળી - સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી ભેગા કરેલ લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય રાખી શિષ્ટભોગ્ય રૂપમાં આપણી પાસે મુકી એમાંથી જીવનના કેટલાક મુલ્યો, જીવનના કેટલાક કેડા, જીવનના કેટલાક પ્રકાશસ્થંભો એમણે આપણી પાસે ખડા કર્યા છે. આનાં અજવાળાઓમાં સૌરાષ્ટ્ર અને કાંઈક અંશે ગુજરાત પણ, ખાનાદાનીભરી એકતાના અમીઘૂંટ પી શક્યું.  
તેમના ગીતો-વાર્તાઓમાં ‘હું’ બદલે ‘ અમે ’શબ્દ વધારે જોવા મળે છે.’ સાહિત્યકારની તપશ્રર્યાને એમણે ધુળમાં મેળવનાર – ધુળવાળા થવાની ગણાવી. એક સાહિત્યકાર, વક્તા, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વતંત્ર સેનાની અને ગાયક તરીકે તેમનું વિશિષ્ટ પ્રદાન ક્યારેય વિસરાશે નહી.  ગુજરાતી ભાષા – સાહિત્યના જાડ માથે કવિઓના જે ઝમખડા છે, એ ઝમખડામાં એક રાતું ફૂલ મેઘાણી છે. આંતરબાહ્ય ઝંઝાવાતો વચ્ચે ભીતરના અતાશને એ જાળવી શક્યા – જીરવી શક્યા. જાહેરજીવનમાં ખોટી બાંધછોડ કર્યા વગર પોતાને સમજાયેલ સત્યને વળગીને અણનમ ઉભા રહ્યા. ધરતીના માણસો વચ્ચે એમની લાલસા હતી તે રીતે, સામાન્ય માણસ તરીકે જીવી ગયા – અને ?- અસામાન્ય મધુરપ રેલાવી ગયા. કાકાસાહેબ કાલેલકરે મેઘાણીભાઇને શ્રદ્ધાજંલિ આપતા કીધું હતુ કે “ઝવેરચંદ મેઘાણી વધારે જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા કરત. ઘણું જીવવાનો એમનો અધિકાર હતો.”  સ્વામી આનંદની વ્યથા: “ગુજરાત ખરેખર રાંકડી : રતન એને રહ્યુ નહિ .”
મોરબીના કવિ રતનદાન મીસણને કેવાં રુપક સૂઝે છે ! દેવલોકની સભામાં ચર્ચાયું થાય છે કે ગાંધર્વ આદિનાં સંગીત રોજ સાંભળીએ છીએ, પણ હવે કોઇ મરતલોકના કવિ તેડાવીયે. દૂત તેડું લઇને જાય છે:
હાલો કવિ હરિ પાસે, એમ કહેવા આવ્યો કાળ,
ફરમાન ઇંદરનું આપિયું, વાંચ્યું શાયર વા’લે.   

સતીષ શામળદાન ચારણ
(મો.) 94282 19031
sscharan_aaa@yahoo.co.in           

             

‘મંદિરો ચણવા’ અને ‘મંદિર બની જવું’ ( ' અખંડાનંદ ' મેગેજીન ડિસેમ્બર- 2015ના અંકમાં પ્રકાશિત થયેલ છે.)



કન્નડ સંત વસવન્નાએ વીરશૈવ સંપ્રદાયને નવું જીવન આપ્યું. વીરશૈવ સંતોની વાણીને કન્નડ ભાષામાં ‘વચન’ કહે છે. આ વાણી સંતોના નિર્મળ હૃદયમાંથી સીધી જ ઉઠે છે અને અન્ય હૃદયો સાથે તાલ મિલાવે છે. લગભગ દસમાં સૈકાથી જ દક્ષીણમાં મહાલય જેવા ગગનચુંબી મંદિરો બાંધવા લાગ્યા હતા. ધનિકો તરફથી પુષ્કળ દ્રવ્ય દાનમાં મળતું હતું. માનવમાં રહેલ અંતર્યામી દેવતા દબાઈ ગયો અને અલંકારોથી ઝળહળતી રત્નજડિત પત્થરોની મૂર્તિઓ પૂજાવા લાગી હતી. તે વખતે સંત વસવન્નાનું એક જ વચન કે જેમાં કબીરની નોબત અને મીરાની બંસીનો સુર સંભળાય છે:
ધનવાનો
શિવ માટે મંદિરો ચણશે
હું શું કરીશ, એક ગરીબ માણસ?
મારા પગ સ્તંભ છે.
શરીર છે મંદિર
અને મસ્તક છે
સોનાનો કળશ
હે સંગમેશ્વર, સાંભળો!
સ્થિર ઉભેલી વસ્તુઓ પડી જશે,
પણ ચાલતી સદાયે સ્થિર રહેશે.
જે ચાલે છે, સદા ગતિમાન છે, શિવત્વથી ધબકતું છે તેનો કદી નાશ નથી. ઉપનિષદોનો એક મંત્ર છે: ’ગુહાયાં નિહિતો’ - ગુહામાં રહેલો આત્મા. એની ઉપાસના કરવાને બદલે આપણે પાષાણની, પ્રતીકની પૂજા કરતા થઈ જઈએ છીએ, ત્યારે તેની સાથે આપણી જાત પણ પ્રાણને ગુમાવી પાષાણ જેવી બની જાય છે. શરીર જ જીવતું મંદિર છે. જ્યાં જ્યાં પગ પડે છે ત્યાં પવિત્રતાનો પગ-સ્તંભ રોપાય છે...ધરતીની ધૂળને ધન્ય કરે છે. આવી રીતે ચાલતા ચરણો અને ચમકતા ચિત્ત કરતા બીજું કયું મંદિર શિવનું દર્શન કરાવશે? ગાંધીબાપુએ ઈશ્વરનું વર્ણન કરતા ‘દીન ભંગી તણી કુટિયા મહીં’ કહ્યું છે.
સંત વસવન્ના બીજા એક વચનમાં કહે છે:
‘વૃક્ષનું મુખ છે તેનું મૂળ, ત્યાં પાણી સીંચો, તેને તળિયે અને જુઓ, મથાળે ફૂટશે લીલો અંકુર.
ભગવાનનું મુખ છે આ હરતા-ફરતા મનુષ્યો,
તેમને તૃપ્ત કરો, ભગવાન તમને પોતાનું સર્વસ્વ આપી દેશે.’
વળી, આત્મા સુક્ષ્મથીયે સુક્ષ્મ અને મહાનથીયે મહાન છે. તેના વિષે વધારે સ્પષ્ટપણે કહેતા ઉપનિષદ અંગુલીનિર્દેશ કરે છે: ‘સર્વ ભૂત ગુહાશય:’- સર્વ પ્રાણીઓના અંતરમાં એ રહ્યો છે અને છતાં તે ‘સર્વગત: શિવ:’ સર્વવ્યાપી શિવ છે. ચાણક્યે કીધું છે કે: ઈશ્વર લાકડામાં, માટીમાં કે મૂર્તિમાં નથી. તે તો ફક્ત ભાવનામાં જ રહે છે.
અલ્લામા એક ‘વચન’ માં કહે છે:‘             જરા જુઓ તો!
આ પગ છે બે પૈડાં અને શરીર છે ગાડું
તેમાં પાર વિનાની ચીજો ભરી છે.
પાંચ જણ જોતરાઈને આ ગાડાને ખેંચી રહ્યા છે,
અને તેમાંથી એકેય બીજાને મળતો આવતો નથી.
તમે જો આ ગાડા પર ચડી રાશ હાથમાં નહિ લો,
તો ધરી જ ભાંગી પડશે, ઓ ગુહેશ્વર!’
અલ્લામાને માથે તેમની પત્ની કામલતાના થોડા દિવસના તાવમાં મૃત્યુ થતાં વજ્રઘાત થયો, દિશાઓ શૂન્ય બની ગઈ. ‘કામલતા! કામલતા!’ એવી ચીસો પાડતા ભટકવા લાગ્યા. લોકોએ તેમણે પાગલ ગણી કાઢ્યા. અલ્લામાને ભારે મારતી, ચોતરફ ઘુમાવતી અને ભાંગેલા કાળજાને આરે લઇ મુકતી કઈ વસ્તુ હતી? એ હતી ભગ્ન કામનાના વેરણ છેરણ ટુકડા અને સાથે જોતરાયેલ પણ જુદી જુદી દિશામાં ઢસડી જતી ઇન્દ્રિયો... આપણા શરીરને પણ આવી, રખડું બળદ જેવી ઇન્દ્રિઓ તથા ગમાર ગાડાખેડું જેવું મન ભેળા મળીને ભેખડે નથી ભરવી દેતા? તો હવે આપણે ગુહેશ્વરને ગાડું હાથમાં લેવાની વિનવણી કરીએ. આપણી હદયગુહામાં બેઠા છે એ કોઈ પત્થર તો નથી તે આપણો પુકાર ન સાંભળે!
આ શરીરમાં જ આખુયે મંદિર હોય તો
જરૂર શી છે બીજું શોધવાની?
કબીરે કીધું છે: ‘ જે કાટૌં તો ડહડહી, સીંચો તો કુમિલાઈ
                ઇસ ગુણવંતી બેલીકા કુછ ગુણ કહ્યા ન જાય.’
ગોરખનાથે પણ આ જ વાત કહી છે: ‘કાટત બેલી કુંપલ મેલ્હી, સીંચતાડા કુમલાંયે’.
જો કાપો તો ફૂલેફાલે અને સીંચો તો સુકાઈ જાય. આ જીવનવેલીના ગુણ કહ્યા જાય તેમ નથી. વાસના-તૃષ્ણાના મુળિયા કાપી નાખવામાં આવે તો આપણામાંથી જ કામનામાત્રનું દહન કરતા, આત્મતૃપ્તિનો ઉઘાડ કરતો શિવ પ્રગટે છે.
ગાંધીજીને વારંવાર પૂછવામાં આવતું કે તમારો રામ કોણ છે? તો તેમણે આ જ પરમ-રમણીય સર્વાંતર્યામી આત્મારામનો નિર્દેશ કરેલો.
પિંગળશીભાઈ ગઢવીએ છાત્રવાના મુળુ આતા (મેર લોકો ચારણોને ‘આતા’ કહે છે) જેવા ખેડુની કોઠાસૂઝની સાવ સીધી ભાષામાં સંસારમાં રહીને કરવાના કામોની વાત કરી છે.  મુળુ આતા એટલે અભણ, એટલે સાદી સીધી એની વાત:   
“ દેને કુ ટુકડા ભલા, લેને કુ હરિનામ. બંને તો પાંચ માળા કરવી. સ્થિતિ પ્રમાણે હાથ લંબાવવો. કોક કહેશે કે, આપણે ગરીબ માણસ શુ કરીએ...? ભલે આપણે તળાવ ન બંધાવી શકીએ, પણ પોતાની ઝુંપડીને નેવે સીકું બાંધી ઘડાની ઠીબ મુકીને બે કળશિયા પાણી તો રેડી શકીએ ને? પંખીડા આવીને ત્યાં પાણી પીએ, ઈ આપણું તળાવ! દળણું દળીને જે સોંણ-ઝાટકણ ચપટી ચાંગળું નીકળે, તે ચકલા ચણી જાય એવે ઠેકાણે નાખીએ; ઠામ-વાસણનો એઠવાડ કૂતરાની ચાટમાં નાખીએ, એ આપનું સદાવ્રત! મોટી ધર્મશાળા ભલે બંધાવી ન શકીએ, પણ બે-ચાર ઝાડવા તો આપણે ઉછેરી શકીએ ને? એ આપણી ધર્મશાળા! – જેને દરવાજો જ નહિ. ગમે તે અને ગમે ત્યારે આવે ત્યાં પોરો ખાવા.” લાંબા હાથવાળી કોદાળી લઈને ઉપડે ખેતરે..રસ્તાના ખાડા, ખાબોચિયા, પથરા, કાંટા નડતર કરતા હોય તેને શોધી શોધીને, કોઈ મોક્ષપંથનો વાટેમાર્ગુ કામ-ક્રોધ ને ઈર્ષા-તૃષ્ણાનાં જાળાં સાફ કરતો હોય તેમ, રસ્તાને સમારતા જાય. કહે કે, “ એ મૂંગા જીવ બિચારા કોને કહેશે કે, આ વાટના ખાડાના ઓચિંતાના આંચકાથી અમારી કાંધ ભાંગી પડે છે?” પશુ પંખી સાથે એકરૂપતા, વૃક્ષ-વનસ્પતિ સાથે એકરૂપતા અને એમ કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતા.. આ છે ભારતીય ચિત્ત!
‘મંદિરો ચણવા’ અને ‘મંદિર બની જવું’- આ બે વચ્ચે કેટલો તફાવત છે.!
સતીષ શામળદાન ચારણ
(મો) ૯૪૨૮૨ ૧૯૦૩૧

sscharan_aaa@yahoo.co.in

Thursday 13 August 2015

“અહિંસા” આખી સંસ્કૃતિને સ્પર્શ કરનાર શબ્દ


પ્રકૃતિએ આહાર પ્રમાણે પ્રાણીની આહાર મેળવવાની ક્ષમતા તથા પાચન તંત્રની રચના કરી છે. માંસભક્ષી પ્રાણી પાસે બીજા પ્રાણીનો શિકાર કરવા માટે ઝડપ, સ્ફુર્તિ, તેજ દ્દષ્ટિ,તીક્ષ્ણ નહોર, તીક્ષ્ણ દાંત આદિની જરૂર છે. માણસ આ દરેક ક્ષેત્રે પાછળ છે. તેથી માણસને પ્રકૃતિએ માંસાહારી ઘડયો નથી. સૃષ્ટિમાં ભાર, કદ,બળ,બુધ્ધિ અને આયુષ્યમાં ચડિયાતા બધાં પ્રાણીઓ લાંબુ જીવે છે. માંસાહારની પશ્રિમી વ્યાખ્યાઓ સગવડિયા છે. પૂર્વની વ્યાખ્યા કડક છે. છતાં શરીર ટકાવી રાખવા માણસે કાંઇકને કાંઇક હિંસા તો કરવી જ પડે છે. માણસો અને જાનવરોનો ઝગડો પણ છે. માણસે હજી પોતાના અંદર-અંદરના ઝઘડા શમાવ્યા નથી. અને પોતાના પેટમાં જાનવરોને ઠાંસી ઠાંસીને જીવે છે. માણસને હજી પોતાના ઝઘડા શમાવતાં આવડતું નથી અને પોતાનાથી દૂબળાં  જે જાનવરો છે તેમને ખાધા વગર જીવતાંયે આવડતું નથી. આદિમાનવ ઘણું ખરું કંદમૂલ-ફlળાહારી અને આગળ જતાં દુર્મતિવશ માનવ સમાજનો મોટા ભાગ માંસાહારી બન્યો, તે વાત ડાહયા-ઉત્તમ માણસોને નગમી અને એવું બંધન મૂકયું કે માંસ ખાવાનું થાય તો યજ્ઞમાં હલાલ પશુનું જ ખાવું. આ બંધન-હેતું હિંસા ઉપર અંકુશ મુકવાનો હતો. કેટલાંકે માંસનો પુરોપુરો ત્યાગ કર્યો. પણ જેમનાથી ત્યાગ થઇ શકે તેમ નહોતું તેમણે યજ્ઞમાં પરમેશ્વરને અર્પણ કરી, કંઇક તપસ્યા કરી માંસ ખાવું એવી પરવાનગી મળી અને યજ્ઞ સામાન્ય વાત બની ગઇ. જેને ફાવે તે યજ્ઞ કરવા નીકળી પડે, યજ્ઞ કરે અને માંસ ખાય એવું ચાલવા માંડયું. આ તો અખા ભગતે કહયું તેમ ’’એરણની ચોરી અને સોયનું દાન’’. એટલે ભગવાન બુધ્ધ આગળ આવ્યા. તેમણે કહ્યું : ’’માંસ ખાવું હોયતો ભલે ખાઓ, પણ કંઇ ઇશ્વરને નામે ન ખાશો.’’એ બંને વચનોનો હેતુ એક જ હતો કે હિંસા પર અંકુશ આવે, ગાડુ ગમે ત્યાંથી આખરે સંયમને રસ્તે ચડે. કોઇ જીવ એવો નથી જેના ઉપર કોઇ દેખરેખ રાખનાર ન હોય. કુરાનમાં લખ્યું છે કે ’’શું આ લોકો પોતાના ઉપર ઊડતા પક્ષીઓને પાંખો ફેલાવતા અને સંકેલી લેતા નથી જોતાં? રહેમાન સિવાય કોઇ નથી જેણે તેમને ટેકવી રાખ્યા હોય. તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.’’ ઉપરાંત અલ્લાહે હરામ(અવૈધ) ઠરાવેલ કોઇ જીવને નાહક કતલ કરતા નથી; આ કામ જે કોઇ કરે તે પોતાના ગુનાનો બદલો મેળવશે.
વેદ શીખવે છે કે આત્મા એ ઇશ્વરી અંશ છે. આચાર્યોએ સાવધાની ઉચ્ચારી છે કે અત્યારે જે માણસ પશુંને ખાય છે, તે માણસને પછીથી પશું ખાશે.
મુરઘી કહે મુલ્લા સે, તુ ઝબ્બે કરત હે મોહે!
જબ સાહેબ લેખા માગશી, તબ સંકટ પડશે તોહે....!!
ઉપનિષદોમાં યજ્ઞતંત્રનો ઉત્સાહ ભર્યો સત્કાર થયો નથી, પણ વિરોધ થયો છે. ઉપનિષદો પશુઓના બલિનો તો ઠીક પણ દ્રવ્યોના બલિનો પણ પક્ષ લેતા નથી; પણ યજ્ઞનું આધ્યાત્મિક સ્વરૂપ કલ્પીને કે આધ્યાત્મિક અર્થદર્શન કરીને તેને ઉચ્ચત્તર ભાવનાની કક્ષામાં મૂકે છે.



ર્ડા.પ્રેમદાન ચારણ’’ભારતીય’’ લખે છે કે
દેવતત્વ તો માંસ મદિરા કી ભેટ ચઢ ગયા;
વાકઇ કિતને હૈ ઇન્સાન મૈ જાનતા નહી.
બુધ્ધ ભગવાને અહિંસાને ખૂબજ મહત્વ આપ્યું છે. તેને પહેલો ધર્મ કહયો છે. ’’અહિંસા પરમો ધર્મ’’. તેમણે કહયું છે કે દરેકે સમ્યક-દ્દષ્ટિ(a Purevision),સમ્યક-સંકલ્પ(Pure thoughts), સમ્યક-કર્મ(Pure deeds),સમ્યક-સૃષ્ટિ(Listening to sacred words)અને સમ્યક- જીવનમ્(Living a Pure life)ના ગુણો વિકસાવવા જોઇએ અને તો જ દરેક જીવ માત્રને પ્રેમ કરી શકાશે.
વાહન નીચે કુતરું કે અન્ય પ્રાણીઆવી જાય તો કેમ ચિત્કાર કરીએ છીએ? એના અને આપણામાં કાંઈક સમાન તત્વ છે તે આત્માની સમાનતા. આશ્રમમાં બીમાર વાછરડાનું દુ:ખ જોતા બાપુએ કહ્યું કે મૂંગા જાનવરને આમ પીડા સહન કરતુ રાખવું એમાં હિંસા છે.તેને મૃત્યુનો વિશ્રામ આપવો જોઈએ. બધાની નારાજગી હોવા છતાં વાછરડાને પારસી ડોકટર બોલાવી મરણ આપ્યું. આમ, સહાનુભૂતિમાંથી અહિંસાનો આરંભ થાય છે.
પૂજય મુરારી બાપુ તેમની રામકથામાં કહે છે તેમ જયારે મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ, જગદ્દગુરૂ શંકરાચાર્ય જેવા અહિંસાના પુજારીઓ વિહાર માટે નિકળતા ત્યારે તેમના પ્રભાવથી દસ,પંદર માઇલ સુધી જંગલના હિંસક પ્રાણીઓ-પશુઓ પણ હિંસા કરવાનું છોડી દેતા.
ક્રુરતા કે નઠોરતા એ અંત:સ્વભાવ નથી પરંતુ સ્વભાવના અજ્ઞાનજનિત પ્રકૃતિ નું એક વિકૃત સ્વરૂપ છે. કુદરત સાથે સહકાર હોય તે માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે.
ભયંકર માં ભયંકર પ્રાણીઓનો સ્વભાવ પણ કોમળ,મૃદુ કે માયાળુ જ હોય છે.તેની સાબિત કે તે પોતાના પરિવાર સાથે કેવા હેતાલાં- પ્રીતાલાં બનીને સમૂહમાં ગેલ કરતા જોવા મળે છે! જો સ્વભાવ જ ક્રુરતાનો હોય તો તે બધે લાગુ પડવો જોઈએ,પણ ક્યાંક આનાથી વિપરીત હોય તો તે સ્વભાવ નથી કે સ્વભાવ-જન્ય નથી પણ અજ્ઞાન-જન્ય છે.   
ગુરુ નાનકદેવને તેમના પિતાએ ખેતરની રખેવાળી માટે મુક્યા, ત્યારે પંખીઓને કહેતા...
હર કી ચિડીયા હર કા ખેત! ખાઓ મેરી ચિડીયા ભર ભર પેટ!!
પંખીઓને ઉડાડી દેવાને બદલે પંખીઓને આમંત્રીને દાણા ખાવાની મોજ કરતા જોવામાં આનંદ આવતો.
જાબાલ દર્શનોપનિષદ્દમાં કહયું છે કે
સ્વાત્મવત્સર્વભૂતેષુ કાયેન મનસા ગિરા;
અનુજ્ઞા યા દયા સૈવ પ્રોકતા વેદાન્તવેદિભિ.
અર્થાત્ ’’ વ્યકિતએ અન્ય તમામ જીવો પ્રત્યે આત્મભાવ રાખી શરીર, મન અને  વાણી ધ્વારા પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ.

રમણમહર્ષિ પાસે ખિસકોલી, મોર, વાંદરા જેવા પશુ-પક્ષીઓ નિર્ભય બની ફરતાં હતાં. પોંડિચરીના શ્રી માતાજીની બાલ્કની દર્શન વખતે દરરોજ વહેલી સવારે એક કાગડો રાહ જોઇ છજા પર બેસતો અને શ્રીમાતાજી પાસેથી બિસ્કીટ લઇ ઊડી જતો. શ્રી અરવિંદે તો ચકલીને પોતાના ઓરડામાં રાખી હતી. આ ચકલી ઉંઘી જાય એટલે તેની ઉંઘમાં ખલેલ ના પહોચે તે માટે કોઇએ અવાજ ન કરવાનો. ચકલીએ બારણાના ખાચાંમાં ઈંડા મૂકયા અને બચ્ચાં મોટા થઇ ઉડી ન ગયા ત્યાં સુધી શ્રી અરવિંદે આવવા-જવા માટે એ બારણાનો ઊપયોગ ન કર્યો. એક નાનકડી ચકલી પ્રત્યે કેવી કાળજી!....કેવી સંવેદન શીલતા!....
ભગવાનશ્રી સ્વામિનારાયણે સર્વ જીવહિતાવહ ’’શિક્ષાપત્રી’’ની રચના સ્વહસ્તે કરી છે. તે માત્ર આચાર સંહિતા(code of moral conduct) નથી. એમાં તત્વજ્ઞાનનાં ઉત્તમ રહસ્યો પણ ગૂંથાયેલ છે. તેમાં અહિંસક યજ્ઞને પ્રોત્સાહન આપતાં કહયું છે. ’’દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા,મૃગલા, સરલા, માછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ કે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહયું છે. અને જે માંસ છે તે તો, યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય(દારૂ) તે દેવતાનું નૈવેધ હોય તો પણ ન પીવું.... અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આધિક જીવની હિંસા થતી હોય,તે દેવતાનું નૈવેધ ન ખાવું.... અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી, તેમણે હિંસાથી રહિત એવા વિષ્ણું સંબંધી યજ્ઞ કરવા.
આપણા અંત:કરણમાં એક બાજુ સદ્દગુણો અને બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. અહિંસા અને હિંસાની સેના ઊભી છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ હોય તેમ અહીં પણ સદ્દગુણોએ પોતાનો સેનાપતિ નીમ્યો છે. એ સેનાપતિનું નામ છે –અભય. ભયભીત વાતાવરણમાં સદ્દગુણ પણ દુર્ગણ બની બેસે છે. સત્ પ્રવૃતિ પણ દુબળી પડી જાય છે. સર્વ સદ્દગુણોનો નાયક અભય છે. એ અહિંસાને કેળવવા માટેનું પહેલું પગલું છે. મનમાંથી ભયને કાઢી નાખવાનો. જો અહિંસાને પુરેપુરી સિધ્ધ કરવી હોય તો પોતાના અંતરાત્માને શુધ્ધ કરવો જોઇએ અને ઇશ્વરને સમર્પિત થવું જોઇએ. આ અભય-નિર્ભયતા આઇ શ્રી સોનલમા એ આપી..... એટલે પધ્મ શ્રી કવિ દુલા ભાયા કાગ લખે છે કે.....
માડી! તે તો ખારા રે.... ખેતરડાંને.... ખે.....ડીઆં.....
માડી! એમાં લી-લી મોલાતુ લેર્યે જાય રે....... ભેળિયાળી! તારાં..... ભા....મણાં
(હે જગદંબા! પાપ કર્મથી જેમના હદયરૂપી ખેતરો ખારા બની ગયેલા, જેમનામાં વહેમ, નિર્દયતા, અભિમાન, ભારાડી પણાએ વાસ કરેલો, એમના જીવનમાં આપે અમી છાંટો નાખ્યો, એમને દારૂ, માંસ, પશુ-બલિદાન, ધુણવાં, દોરા-ધાગા, વળગાડ વગેરેની બદીયોમાંથી છોડાવીને તેમના હદ્દયોમાં ભકિત, દયા, અહિંસા, ઉદ્દમ, પુરુષાર્થ, આતિથ્ય ધર્મની મોલાતો લહેરાતી કરી, એવા પરમ દયાળું ભેળિઆધારી આપ જગદંબાના હું વારણા લઉ છું.)

માડી! તેં તો ..... ઠારી હત્યાની હોળી, તોળાણી સત્.....ત્રા......જવે.... રે..... જી......
(હે મા! આપે પશુ બલિદાનોના રૂપમાં થતી ભયંકર હોળી-આગ ઓલવી છે.)
નિર્ભયતાથી પ્રગતિ થઇ શકે છે અને નમ્રતાથી બચાવ.
રાબીયા સંતની વાત વખતોવખત આવે છે. સ્ત્રી સંત. રાબીયાના એક શિષ્યે રાબીયાને કહયું કે રાબીયા, હું સત્યનો દરવાજો કેટલાય વર્ષોથી ઠોકુ છું, પણ દરવાજો ખૂલતો જ નથી. શું કામ ખૂલતો નથી?રાબીયાએ એમના શિષ્યને કહયું Youmay go on knocking at the door of reality for thousand years and yet the door will not open’( તુ હજારો વર્ષ સુધી દરવાજો ઠોકવાનો પ્રયત્ન કરશે, તો પણ દરવાજો નહીં ખુલે.)For the simple reason that the door has never been closed.(કારણ કે આ દરવાજો કોઇપણ દિવસ બંધ જ ન હતો.) પણ આપણી ચેતના ખુલ્લા દરવાજાને બંધ દરવાજા તરીકે જુએ છે. કેમકે એ ચેતનામાં સંવેદનશીલતા નથી. તેથી સત્યનું દર્શન થતું નથી. માત્ર દ્દશ્યનું જ દર્શન થાય છે.
તાત્પર્ય એ છે કે સત્ય અને અહિંસાનો વિકાસ નિર્ભયતા અને નમ્રતા વડે થાય છે. જે માણસને ઇશ્વર પ્રત્યે પૂરી શ્રધ્ધા ના હોય તે અહિંસાનું પૂર્ણ પાલન કરી શકે નહીં. ગાંધીજીનાં સત્ય અને અહિંસાને જોડનારૂં જે કંઇ તત્વ હતુ તે એમની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા હતી અને તેને લીધે જ તેઓ પોતાની આંતરિક શકિત મેળવતા હતા. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એકવાર કસ્તુરબાની માંદગીમાં દાકતરો માંસનો સેરવો(મટનસૂપ) નહિ લે તો જીવ બચશે નહિ એમ કહયું. ગાંધીજીએ આ વાત બા ઉપર છોડી. બા એ ના પાડી. ગાંધીજીએ દબાણ કરવાની ના પાડી. બાની ઇચ્છાનો આદર કર્યો.
ભૂતદયા,માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અદ્રોહ એ બધા અહિંસાના જ જુદા જુદા પર્યાયી શબ્દો છે. પતંજલિએ સદીઓ પહેલા કરેલાં ચિંતન, મનન અને ધ્યાનના આધારે અહિંસાની એક અદ્દભુત વ્યાખ્યા આપી. તત્ સંનિધ્યો: વૈરત્યાગ:- અહિંસાના સાનિધ્યમાં આવનારને કોઇ જાતની વેરભાવના રહેતી નથી. તેઓ પોતાનું જાતિગત વૈર ત્યાગી દે છે. પરંતુ પતંજલિએ આ વ્યાખ્યા યોગીની વ્યકિતગત ભૂમિકા તરીકે કલ્પી હતી. ગાંધીજીએ ભૂમિકાનું સ્તર બદલીને સામાજીક કરી નાખ્યું. ગાંધીજી કહેતા કે માત્ર દેહને ઇજા એ જ હિંસા નથી. હિંસા માનસિક, સામાજિક કે રાજકીય પણ હોઇ શકે અને આવી હિંસા માટે શબ્દ વાપર્યો –Structural-Violence(માળખાકીય હિંસા) તેમણે વારંવાર લખીને કે બોલીને એ વાત સમજાવી કે હિંસા એટલે માત્ર છતી આંખે દેખી શકાય તેવી મારામારી કે કાપાકાપીની હિંસા નહિં. સમાજ વ્યવસ્થામાં રહેલી હિંસા પણ એટલી જ ભયાનક અને એટલી જ ત્યાજય છે. ઊંચ-નીચ ભેદભાવ, આર્થિક શોષણ, કુટુંબમાં કે સમાજમાં કે બીજે સ્ત્રીઓનું, દલિતોનું કે લઘુમતિઓનું થતું દમન એ પણ હિંસા છે.આ અહિંસા આજે આપણે જે જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે.ઉતાવળ હિંસા છે.મિથ્યા ભાષણ હિંસા છે.દ્વેષ હિંસા છે. કોઈનું બુરું ઇચ્છવું હિંસા છે.ચાડી કરવી હિંસા છે. અને જગતને જોઈએ છે તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.
અહિંસાને ગાંધીજી માનવીય ધર્મ માનતા. બિડીની પડેલી ખોટી ટેવ, દેવુ પુરૂ કરવા ભાઇનું કડું કપાવવું એ વાતની ભુલની પિતા પાસે કબુલાત અને પિતાની આંખમાંથી અમૃત બિંદુ સરી પડવા, ચિઠ્ઠી ફાડી નાખવી અને ચૂપચાપ પથારીમાં પડયા રહેવુ તે વખતે ગાંધીજીએ એ વાતનોઉંડો અનુભવ કર્યો કે જો બે વ્યકિતઓ વચ્ચે પ્રેમનો સંબંધ હોય તો એકની વેદના કોઇ પણ શબ્દના ઉચ્ચારણ વિના બીજાના હૈયા સોંસરવી પેસી જાય છે. સત્યાગ્રહમાં સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાનો વિચાર મૂળ આ અનુભૂતિમાંથી જન્મ્યો. અજુગતી આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઇએ?? એ વિચાર એમના કસ્તુરબા પ્રત્યેનો ઘણીપણામાંથી આવ્યો. આ વિષયમાં કસ્તુરબાની જે પ્રતિક્રિયા હતી તે ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠ થઇ રહી. આમાંથી નીપજયો સત્યાગ્રહમાં સવિનય કાયદાભંગનો સિધ્ધાંત અન્યાયનો અસ્વીકાર અને પ્રતિકાર....
બદલો લેવાથી ઉત્તરોત્તર હિંસા વધતી જાય છે.તંત્રનો વિરોધ કરો વ્યક્તિનો નહી. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાને કહ્યું છે કે અમને ગાંધીજીએ મોટામાં મોટી વાત જો શીખવી હોય તો અહિંસાની. પઠાણ જાતિ અંદરોઅંદર ઝગડી એકબીજાને ખતમ કરતી હતી. ’એણે ગોળીએ દીધો હતો મારા બાપુને, એટલે હું ગમે તે દિવસે એને ગોળીએ દઈશ.’ એમ પેઢી દર પેઢી હિંસા ચાલ્યા કરતી. એમાંથી પઠાણ લોકોને બચાવ્યા. ખાનસાહેબે એ વાત માની કે આખી પઠાણ કોમને ગાંધીજીએ બચાવી લીધી. અહિંસા ના હોત તો અમે એક બીજાને મારીને ખલાસ થઈ ગયા હોત. ગાંધીજી માણસ વ્યવહારના આધારે આગળ વધતા હતા. કામ કરતા ગયા પણ સિદ્ધાંત લખ્યો નહી.તેઓ વિચારતા હતા કે એક અહિંસક દેશની ઉપર કોઈ બીજા હિંસક દેશો આક્રમણ કરે તો આખી દુનિયાની સહાનુભૂતિએ અહિંસક દેશને મળે.
આપણે અહિંસાના એક વિશેષ ગુણનો વિચાર પણ કરી લેવો જોઈએ. અહિંસા એ સક્રિય શક્તિ છે એ શક્તિને સમાજને બદલવામાં ઉપયોગી થઇ શકે છે. હિંસા કદી વ્યાપક જનતાનું સાધન બની શકતી નથી. હિંસા વ્યાપક બંને તો તેનાથી આંતરવિગ્રહ કે અંધાધુંધી જ ફેલાય.પ્રજા લાચાર, પાંગળી અને ગુલામ બની જાય છે.અહિંસા એવી શક્તિ છે કે જેમ જેમ વ્યાપક બનતી જાય તેમ તેમ સમાજમાં વધુમાં વધુ ઉત્સાહ પ્રેરતી જાય છે. તે લોકોની ક્રાંતિકારી શક્તિ બની શકે છે, સાહસ,હિંમત વધે છે;કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક આવડે છે;અભિમાન ઓછું થાય છે, નમ્રતા વધે છે, પરિગ્રહ ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે. અને એટલેજ તો ગાંધીજીના અહિંસક આંદોલનોમાં સ્રી-પુરુષ,નાના-મોટા,ગરીબ-તવંગર,વૃદ્ધો,બીમારો અને બાળકો પણ પોતપોતાની રીતે ભળી શકતા.આ આંદોલનો જો શસ્ત્રોને બળે ચાલતા હોત તો એમાં ભળનારાઓનો વ્યાપ આટલો મોટો કદી ન થઇ શક્યો હોત. જાપાન પર પરમાણુ બોમ્બો ઝિંકાયા ત્યારે પત્રકારોએ અહિંસા પરના વિશ્વાસ અંગે પૂછતાં ગાંધીજીએ  જવાબમાં જણાવ્યું કે અહિંસા વિષેની મારી શ્રદ્ધા વધી છે અને તેના સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અમેરિકન શાંતિવાદી નેતા, માર્ટિન લ્યુથર કિંગે (જુનિઅર) આના વિષે એક સાવ સાચી અને માર્મિક ટીકા કરી હતી કે હવે દુનિયા પાસે માત્ર કાં અહિંસા, કાં આત્મનાશ (Either Non-violence or Non-existence) બે જ વિકલ્પો રહ્યા છે.  
કેરળમાં’સર્વ શિક્ષા અભિયાન’હેઠળ એક નવો જ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને રોજ માનવ માટે ઉપકારી પ્રાણીઓ,તેઓ જે પર્યાવરણમાં વસે છે તેમના પ્રત્યે માનથી વર્તવાના પાઠ ભણાવશે અને સમાજપયોગી પશુ-પક્ષીઓ પ્રત્યે ‘જીવદયા’ દાખવવા શીખવી વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવાશે.એમ કહેવાય છે કે, જ્યારે તમે બાળકને એક ઉંદર પ્રત્યે દયા દાખવવા કહો છો ત્યારે તમે તમારા બાળકનું અને ઉંદર બંનેનું સરખું કલ્યાણ કરો છો, ઈચ્છો છો.
આજે જયારે સંહારક શસ્ત્રો આખી માનવજાતને એક નહીં પણ અનેકવાર મારી શકે એવી અવસ્થામાં છે ત્યારે માનવજાતને ઊગરવાનો રસ્તો અહિંસાનો જ હોઈ શકે એવી પ્રતીતિ કેટલાક લશ્કર વાળાઓ સહીત દુનિયાના અનેક ચિંતકોને થઇ ચુકી છે.વિજ્ઞાનની શોધો આત્મઘાતી દિશા તરફ જનારી નહીં પણ આત્મોદ્ધારક અને આધ્યાત્મિક અહિંસા તરફ વળવી જોઈએ એની ખાતરી કેટલાકને થાય છે.....,બીજાને ઠોકર ખાઈને થશે.....
 વિશ્વધર્મના આ અભિજાત વિચારને અમલમાં મુકવામાં, હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમઝૂદ કહે છે તે,બૌદ્ધધર્મીઓ જેને બુધ્ધકહે છે તે, યહૂદીઓ જેને જિહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓજેને સ્વર્ગના પિતા કહે છે તે, સહુ આપણને પુરતી શક્તિ આપો.
સતીષ શામળદાન ચારણ
(મો.)૯૪૨૮૨ ૧૯૦૩૧

Email: sscharan_aaa@yahoo.co.in

Tuesday 11 August 2015

કેવળ સત્યના આજીવન સાધક ગાંધી ( તા.14 જુલાઈ,2015ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ)

કેવળ સત્યના આજીવન સાધક ગાંધી 
મહર્ષિ પાતંજલીએ યોગને આઠ ૫ગથીયામાં વહેચ્યો છે. અષ્ટાંગ યોગનું પ્રથમ ૫ગથિયું છે-‘યમ’. યોગદર્શનનો પાદ-ર, સુત્ર ૩૦માં યમ સંબંધમાં જણાવ્યુ છે કે,’’અહિંસા સત્યાસ્તેય બ્રહમચર્યા પરિગ્રહા યમા:’’ અર્થાત્,“અહિંસા,સત્ય, અસ્તેય, બ્રહમચર્ય અને અ૫રિગ્રહ આ પાંચ યમ છે”. આ માટે બૌધ્ધ ભાષામાં ‘પંચશીલ’ શબ્દ વપરાયો છે. જૈનોએ મહાવ્રત કહયાઅને ગાંધીજીએ તેને વ્રત નામ આપ્યું. આ પાંચ વ્રતો એવાવ્રતો છે કે જેના ગાંધીજીએ વર્ષોથી નામ સાંભળેલા છે. એમાંતેમણે કોઇ નવો શબ્દ વાપર્યો નથી. પણએ શબ્દનો અર્થ ગાંધીજીએનવો ઘટાવ્યો છે. ગાંધીજીએ વ્રત એટલા માટે કીધું કે નિયમ તો એકવાર જે લીધેલો હોય તેનું કામ પુરૂં થાય ત્યારે બદલી ૫ણ શકાય જયારે વ્રત એ આખું જીવન વળગી રહેવાનો વિષય છે. હિંદુસ્તાનમાંથી નીકળેલી ત્રણ દાર્શનિક ધારાઓ-વૈદિક, બૌધ્ધિક અને જૈનમાં૫ણ આ પાંચ યમ-વ્રતોનો વિચાર કોઇકને કોઇક સ્વરૂપે જોવા મળે છે. ગાંધીજીએ આગળ જતાં એ ૫ણ નોંધ્યું છે કે માત્ર હિંદુસ્તાનમાંથીનીકળેલાંવ્રતો નહીં ૫ણ બીજા ધર્મોના ભકતો-શિષ્યો માટે જે કોઇ નિયમો સૂચવ્યા એના શબ્દો કંઇક જુદા વા૫ર્યા હોય ૫ણ તેનો અર્થ આ પાંચ યમ-વ્રતની અંદર સમાઇ શકે તેવા જ હતા.
આ વ્રતો ગાંધીજીના આધ્યાત્મિક વિચારના પાયારૂપ તો છે જ, ૫ણ તેએટલું જ સિમીત ન રહેતા એમના સમગ્ર જીવનને સ્પર્શે છે. ગાંધીજી જે પરિવારમાં ઊછર્યા અને મોટા થયા, એ પરિવારચુસ્ત વૈષ્ણવ પરિવાર હતો. તેમાં વ્રતનો વિચાર સ્વાભાવિક વસ્તુ હતી. તેથી એમ કહી શકાય કે તેમને વ્રત-વિચાર ગળથૂથીમાં જ મળેલા હતા. ઉપરાંત, ભારતીય સંસ્કૃતિમાં ૫ણ જે વ્રત-વિચાર, પ્રતિજ્ઞાઓની ઋષિ-મુનિઓએ વાત કરેલી છે, એ ગાંધીજીના રકતમાં ભારતીય સંસ્કૃતિ મારફતે પણ આવ્યું હતું. આમ, આ વ્રતોના મૂળમાં ઊંડે ઊંડે ગાંધીજી જે પરંપરાગત વાતાવરણમાં ઉછર્યા તેના સંસ્કારો કામ કરતા હશે તેમ કહી શકાય.વ્રત એ તેમના જીવનમાં શિસ્તની આચારસંહિતા સમાન હતા.
માતા પુતળીબાઈના જીવનમાં વ્રતો વ્યકિતગત શિસ્ત અને આલોક કરતાં ૫રલોકના પુણ્ય સારુ વધુ સંકળાયેલા હતા. જયારે પુત્રને આલોક જોડે નિસ્બત હતી. વ્રતો વ્યકિતએ સ્વેચ્છા અને નમ્રતાપૂર્વક આચરવાનાં તો હતાં જ પરંતુ તે વૈયક્તિક ન રહેતા સમાજવ્યાપી બને તેવી ગાંધીજીની કલ્પના હતી. સત્ય, અહિંસાના ગુણો વ્યકિતગત ગુણો ન રહેતા સામૂહિક ગુણો બને એમ તેઓ ઇચ્છતા. કારણ કે છેવટે સમાજ તો વ્યકિતઓનો બનેલો છે. તેમણે એક ઠેકાણે વ્રત પાળવા બાબતે કીધું છે કે માણસ જો ખાડા-ટેકરાવાળા કાચા રસ્તા પર ચાલવા કરતાં સપાટસડક ૫ર ચાલે તોતેને ચાલવામાં જેવી સુગમતા લાગે એવી સુગમતા વ્રતધારીને પોતાના જીવનમાંવ્રતો પાળવાથી મળે. ગાંધીજીના આ વ્રતો માત્ર કેટલાક સાધકોની વ્યકિતગત સાધનાનો વિષય નહીં ૫ણ આખા રાષ્ટ્રના અહિંસક આંદોલનના ઓછા વત્તા પ્રમાણમાં પ્રેરકતત્વ બની રહયા. આ વ્રતો રાષ્ટ્રીય પાસું હતા. સમગ્ર રીતે જોતા આ વ્રતોકોઇ અહિંસક આંદોલન અંગે ગાંધીજીના અનુભવોને આધારે યોજનાપૂર્વક ઘડેલા નહી ૫ણ અંત:સ્ફૂર્ત વ્યુહરચનાનો એક અનિવાર્ય ભાગ હતો.
ગાંધીજીએ આશ્રમના અગિયાર વ્રતોમાં પ્રથમ સ્થાન સત્યને આપ્યું હતું. તેમના વ્રતોમાં કેન્દ્રિય વિચાર સત્યના વ્રતનો હતો. એ જ એમના આખા જીવનની શોધનો વિષય હતો.અને એ શોધ ઉ૫ર જ પોતાના ચરિત્રને ઘડયું હતું.
“ જે વસ્તુ જે રૂપમાં છે તેને તેજ રૂપમાં કહેવી તે સત્ય ’’. વ્યાપક અર્થમાં જોઇએ તોજેનાથી હિત થાય તે સત્ય અને જેનાથી અહિત થાય તે અસત્ય છે. પરંતુ ગાંધીજીના મનમાં સત્યનો અર્થ સામાન્ય જનતા કરતી તેના કરતા વધુ ઊઁડો અને વિશાળ હતો. અને અનુભૂતિના આધારે તે વધુને વધુ અર્થસભર થતો ગયો. સામાન્ય માણસ કરે તેમ ગાંધીજીએ ૫ણ નાન૫ણમાં સત્યનો અર્થ ‘સાચું બોલવું’ એટલો જ કર્યો હશે. ૫ણ જે અર્થ કર્યો તેનું તેમણે નાન૫ણથી જ સહજ, અનાયાસ રીતે પાલન કર્યું. મોટ૫ણમાં વિનોબા જેવા સૂક્ષ્મનિરીક્ષકે ૫ણ આ વાતની નોંધ લીધી કે ‘બાપુ એ મારી પરીક્ષા લીધી કે નહીં એ હુંજાણતો નથી, ૫ણ મેં તો પહેલી મુલાકાતથીજ એમના દરેક વ્યવહારને બારીકાઈથી તપાસ્યો હતો, અને સત્યની કસોટીમાં તેમને સોટકાથી એક ટકો ૫ણ ઓછા ગુણ મળ્યા હોત તોએમની સાથે હું રહી શકયો ન હોત’.
બાળક વિશે માતા-પિતા, લોકો જે અભિપ્રાય આપે છે અને એ અભિપ્રાય કોઇકવાર બાળકને ૫ણ જણાવે છે કે “મારો દિકરો તોફાની છે”. “ડાહયો છે”.“અશાંતિ કર્યા કરે છે”. “બીજા આવે ત્યારે ચૂ૫ રહે છે”. ત્યારે નાનો બાળક પોતે કેવો છે, એવો વિચાર કરતો થાય છે. અને એ એવો બનવાનો ૫ણ પ્રયત્ન કરતો હોય છે. ગાંધીજીને બાબતે વિચારતા કરવામાં તેમના મા પુતળીબાઇ,રંભાદાસી અને એમના પિતાનો હિસ્સો છે.
નાનપણમાં શેખ મહેતાબની સોબતને લીધે ગાંધીજીએ અવારનવાર માંસભક્ષણ કર્યુ હતું તે વાત તેમની આત્મકથામાં છે. જે દિવસે માંસ ખાધું હોય ત્યારે સ્વાભાવિક રીતે ઘરમાં ભોજન ઓછું ખવાય અને મા પૂછે તો કહે આજે ભૂખ નથી. એટલે વાણીના સત્યનું પાલન થતું ૫ણ તેમને વિચાર આવ્યો કે ભૂખ ન હોવાનું મુખ્ય કારણ તો તેમણે છુપાવ્યું હતું.”જુઠુ બોલવુંઅને તે મા આગળ?’’ આમ, તેઓને સત્યની પાછળ છુપાયેલું અસત્ય ૫ણ દેખાઇ ગયું. સત્યની વ્યાખ્યા વાણીથી વિચાર સુધી પહોચી ગઇ, અને પછી આચરણ સાથે ૫ણ... આમ, ગાંધીજીની સત્યની વ્યાખ્યા મનસા, વાચા, કર્મણા સુધી જઇને સ્થિર થઇ.
સેવાગ્રામમાં ગાંધીજીએ “મનમાં ૫ણ અસત્યનો વિચાર ના આવવા દેવો”,આવું પાટીયા ૫ર લખ્યું હતું. માણસ બોલવાથી જ નહીં, ઇશારાથી ૫ણ જૂઠું બોલી શકે છે. છોકરાઓ સંતાકુકડી રમતા હોય ત્યારે ઇશારાથી આ બાજુને બદલે બીજી બાજું દેખાડે, તે ૫ણ અસત્ય છે. વિચારથી જૂઠું બોલી શકે છે. આ બધા વિચારો તેઓ નાન૫ણથી કરવા માંડેલા. હરિશ્ચંદ્ર નાટક જોઇ ’’બધાં કાં હરિશ્ચંદ્ર ના બની શકે?’’ એવો વિચાર એમને આવ્યો.હરિશ્ચંદ્રે આખું જીવન સત્યની ખાતર કષ્ટ સહન કર્યુ હતું. હું પણ સત્યની ખાતર કષ્ટ સહન કરીશ- આવો જ વિચાર ગાંધીજીએ કર્યોહોત તો ઘણાં મોટો વિચાર કર્યો એમ કહેવાત. ૫ણ એમ ન વિચારતા “સમાજમાં બધાં કેમ સત્યવાદી ન બની શકે?’’, ઘરમાં સત્ય અને બજારમાં અસત્ય, ગાંધીજી સત્યને ટુકડા કરીને નહોતા જોતા,સમગ્ર ૫ણે જોતા. એમણે સત્યને સામાજિક રૂપ આપ્યું કારણ કે અત્યાર સુધી અને હજી ૫ણ સમાજમાં સત્યએ વ્યકિતગત ગુણ જ ગણાય છે.
શ્રીમદ્ રાજચંદ્રના સપંર્કથી ગાંધીજીને સ્યાદવાદ અથવા અને અનેકાંતવાદ સમજાયો. માણસને જે સત્ય જણાય છે તે હંમેશાં પરમ સત્ય ના ૫ણ હોય. એ સત્યનું બીજું પાસું ૫ણ હોઇ શકે. આ વિચાર તે સ્યાદવાદ અથવા અનેકાંતવાદ. આમ, ગાંધીજી જયાં સુધી સત્યનું બીજું પાસું ન સમજાય ત્યાં સુધી તો પહેલા પાસા ઉપર મકકમ રહેવું, ૫ણ બીજા પાસાને સમજવા મન ખુલ્લું રાખતાશીખ્યા. આ સત્ય તરફનું એમનું આગળનું પગલું.
“ હું ખોટો છું એવી જયાં સુધી મને ખાતરી થાય નહીં ત્યાંસુધી હું મારા સત્યને વળગી રહીશ ૫ણ મને જેવું એમાં ખોટું લાગશે, તેવું હું તેને છોડી દઈશ ’’ એવો ગાંધીજીએ નિશ્ચય કર્યો હતો. તેનો દાખલોજોઇએ તો એમણે દેશમાં શરાબથી થતું નુકસાન જોયું એટલે કોંગ્રેસને એક કાર્યક્રમ આપ્યો કે જે ઝાડમાંથી તાડી- જે શરાબ કરતાં ઓછી માદક હોય છે, તેવા તાડના વુક્ષોને કાપવા, ૫ણ એમને પાછળથી ખબર પડી કે આમાંથી તો સારામાં સારો ગોળ થાય છે. એટલે કે ઝાડ કા૫વાનું બંધ કર્યું. એ વખતેએમને એમના થયું કે મેં એકવાર જે કહયું છે તેને કેમ બદલવું ?. આમ, પરિવર્તન ધ્વારાતે સત્યને વધુ સમજતા હતા.
લાહોરની જેલમાં જયપ્રકાશજીને અંગ્રેજ અમલદારોએ અનેક પ્રકારની પીડાઓ આપી. ભુગર્ભવાસમાં એમના સાથીઓ કોણ કોણ હતા, તે વિશે પુછતા જયપ્રકાશજીએ કીધું કે ’’ તમારા બધા પ્રશ્નોના જવાબ હું જાણું છું ૫ણ મને મારી નાખોતો ૫ણ એકે નો જવાબ આ૫વાનો નથી. ’’ ગાંધીજીએ આને વીરની સત્યવાણી કીધી છે.
શ્રી નારાયણભાઇ દેસાઇ એક કિસ્સો ટાંકતા કહે છે કે ગાંધીજીએ ગુજરાતના એક જાણીતા સાહિત્યકારના ૫ત્રનો જવાબ પોતે આપે છે તે રીતે જવાબનો ખરડો ઘડવા તેમને કામ સોંપ્યુ. તેમણે નમ્રતા દેખાડવા શરૂઆતમાં ‘પ્રિય કવિવર’ એવોશબ્દ વાપર્યો. ગાંધીજીએ નારાયણભાઇના કાન ૫કડયા અને પૂછયું કે “ ખરેખર તું એમને કવિઓમાંશ્રેષ્ઠ ગણે છે?”. અને તેઓ કબુલાત કરેતે પહેલા ગાંધીજીએ’’ અનાવશ્યક વિશેષણમાં ૫ણ અસત્ય હોઇ ન શકે ’’વાકય કહેલું અને આથી ગાંધીજીના સમગ્ર સાહિત્યમાં અનાવશ્યક વિશેષણો આ૫ણને ભાગ્યે જોવા મળે છે.
ગાંધીજી એમ માનતા કે સત્યની શોધ જેટલો કઠણ વિષય છે, તેટલો જ સરળ વિષય ૫ણ થઇ શકે છે. એ સમજાવતા તેઓ કહે છે કે સત્યની શોધ અહંકારી- અભિમાનીને અશકય લાગે અને એક નિર્દોષ બાળકને સાવ સહજ લાગે.
ગાંધીજીના આખા જીવનની શોધ એ સત્યની શોધ છે. અનુભવોના આધારે તેઓને એ પ્રતીતિ થઇ કે શાંત પળોમાં અને ઊંડી પ્રાર્થનાને અંતે તેમને ભીતરથી જેઆત્માનો અવાજ સંભળાય છે એ સત્યનો અવાજ છે. આમ, તેઓ અત્યાર સુધી “ઈશ્વર સત્ય છે’’ માનતા હતા. તે એમને“સત્ય એ જ ઈશ્વર છે.’’ તેમ સમજાવા લાગ્યું.
ગાંધીજી એ ‘સત્ય’ ને વાણીનું વિશેષણ નહોતું બનાવ્યું. તેઓ સત્યપારાયણ હતા.

આમ, સત્ય ગાંધીજીની શકિતનું મુળ સ્ત્રોત હતું. તેઓ પોતાને સત્યના પૂજારી કહેતા. તેઓ કહેતા કે “સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું”. એક વૈજ્ઞાનિકની માફક તેમનું આખું જીવન સત્ય શોધક જેવુંરહયું. એમના વ્રતોના સૂર્યમંડળમાં સત્ય સૂર્ય હતું. અન્યવ્રતો ગ્રહો-ઉ૫ગ્રહો હતા. ગાંધીજી જે સમાજ બનાવવા માંગતા હતા, તેનું મધ્યબિંદુ સત્ય હતું. સત્ય ગાંધીજીનો અંતરાત્મા હતું. ઇતિહાસના તમામ આરોહો-અવરોહોની પાછળ ટકાઉ તત્વ તો ભારતની સત્યનિષ્ઠા જ હતી. જે વીસમી સદીમાં ગાંધીરૂપે પ્રગટ થઇ.સુપ્રસિધ્ધ વિચારક અને કટારલેખક પધ્મશ્રી ગુણવંતભાઇ શાહે જણાવ્યું છે કેમાણસ હ્રદયમાં ચાર ભાગ હોય છે. ગાંધીજીના હ્રદયના આ ચાર ભાગો સત્ય, અહિંસા,અભય અને સાધન શુધ્ધિથી પૂર્ણ હતાં.
ગાંધીચીંધ્યા માર્ગે  આંદોલનો થાય છે પણ એ માર્ગે સત્યની શોધ કેમ થતી નથી? 
( મારો આ લેખ તા.14 જુલાઈ,2015ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ)